રીપોર્ટ@ગુજરાત: ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા રાજ્યસરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 
ભુપેન્દ્ર પટેલ
ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ₹8 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં જાહેરાત કરી કે, ગામડાંની સાફસફાઈ માટે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ હવે બમણી કરવામાં આવશે.ગામની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ ₹4 ની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીના આ નવા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ₹8 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પંચાયતોને વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ સ્વચ્છતાના સ્તરમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે.

આ જાહેરાતથી નવનિયુક્ત સરપંચો અને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેમને તેમના ગામડાંને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવામાં મદદ મળશે. ગુજરાતના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં તેમણે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચાર અંગે કડક ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "પૈસા પાછળ પડવા જેવું નથી. અમારી સરકાર 'ઝીરો ટોલરન્સ' પોલિસીથી કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં પણ નહીં આવે."

તેમણે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને કોઈની દોરવણીમાં ન આવવાની સલાહ આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસની સત્તા સરપંચોને આપવામાં આવી છે અને વિકાસના કામોમાં સરપંચની ભૂમિકા અત્યંત મહત્વની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સમરસ પંચાયતો' ના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વખતે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 761 પંચાયતો સમરસ થઈ છે. સામાજિક સમરસતા માટે સમરસ ગ્રામપંચાયતનો અભિગમ અત્યંત મહત્વનો છે. ગામના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતા નાણા ફાળવે છે. આજે પણ ₹1236 કરોડ રૂપિયા પંચાયતોને ફાળવવામાં આવશે.