રિપોર્ટ@ગુજરાત: કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય, ડોક્ટરોના માનદ વેતનમાં કરાયો વધારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો/ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700 થી રૂ. 900 વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. 3,000 તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડૉક્ટરોને રૂ. 300 થી 2,000 સુધીનું ઈન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટિસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની 50 ટકા રકમ અલગથી એનેસ્થેટિસ્ટને આપવામાં આવશે. આ તજજ્ઞ ડૉક્ટરો કોઇપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે.
ડૉક્ટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડોક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઇપણ લાભ મળવાપાત્ર રહેશે નહીં. તજજ્ઞ ડૉક્ટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઈન્સેન્ટિવ વિતરણના ક્રાઈટેરિયા મુજબ વિતરણ માટે વરાળે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલિત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. 2,700 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8,500 માનદ વેતન ચૂકવવામાં આવશે.