રિપોર્ટ@ગુજરાત: BJP સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ડખાં, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકમાં વિલંબ થઈ શકે

 
ભાજપ
હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉતરાયણ પહેલાં ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થાય તેમ છે. સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ખેંચતાણ જામી છે. ત્યારે હજુ કોને શહેર-જિલ્લા પ્રમુખની કમાન સોંપવી તે મુદ્દે સર્વસંમતિ સધાઈ શકી નથી. આ કારણોસર ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકમાં એકાદ-બે દિવસનો વિલંબ થઈ શકે છે. નગરપાલિકા, પંચાયતની ચૂંટણી અગાઉ ભાજપે નવુ સંગઠન રચના તૈયારીઓ આદરી છે.

ભાજપ શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે એક હજારથી વધુ મૂરતિયાઓએ દાવેદારી નોંધાવી છે. એક-એક શહેર અને જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એવુ જાણવા મળ્યુ છે કે, અમદાવાદ શહેરમાં ધારાસભ્ય અમિત શાહને ફરી પ્રમુખપદ માટે રિપીટ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આમ છતાંય મજબૂત દાવેદારો પ્રમુખપદ મેળવવા લોબિંગ કરી રહ્યાં છે. આ વખતે સંગઠનમાં હોદ્દો મેળવવા ભારે ખેંચતાણ જામી છે. ધારાસભ્યથી માંડીને સાંસદો, નેતાઓએ સંગઠનમાં પોતાના માણસો ગોઠવવા છેલ્લી ઘડીની વગ લગાડી દીધી છે.

હવે કોનુ નામ જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને પેનલોની યાદી લઈને ભાજપ પ્રદેશ નીરીક્ષકો દિલ્હી પહોંચ્યાં છે. હાઈકમાન્ડ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એવી માહિતી મળી છે કે, પ્રદેશ નીરીક્ષકોનો દિલ્હીનો પ્રવાસ લંબાયો છે તે જોતાં હજુ શહેર-જિલ્લા પ્રમુખના નામોની નિમણૂંકમાં એકાદ બે દિવસનો વિલંબ થાય તેમ છે. હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા કરવામાં આવશે. ઉતરાયણ બાદ ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.