રીપોર્ટ@ગુજરાત: સિંચાઇ વિભાગનો સુજલામ સુફલામ કેનાલ મુદ્દે મોટો નિર્ણય, પાણીની અછતથી ખેડૂતો ત્રાહિમામ

 
સુજલમ સુફલામ કેનાલ

સુજલામ સુફલામ કેનાલ 7 જીલ્લા માટે જીવાદોરી સમાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલ બંધ કરવામાં આવી. સિંચાઈ વિભાગના આ નિર્ણયથી 7 જિલ્લામાં ઉનાળામાં પીવાના પાણીની અછત સાથે ખેતી માટે સિંચાઈ કરવામાં પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલ્બધતા ઘટતા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ કેનાલ 7 જીલ્લા માટે જીવાદોરી સમાન છે. અને હવે આ કેનાલમાંથી પાણી બંધ કરાતા અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર જીલ્લાના ખેડૂતોને અસર થશે. આ 7 જિલ્લાના ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.

કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઇ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં સિંચાઈની પાણીની સુવિધાના અભાવે ખેતીલાયક 1.65 લાખ હેકટર જમીનમાંથી ફક્ત 13 હજાર હેક્ટર ઉનાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત પંચમહાલના ખેડૂતોએ પાણીના પુરવઠાના અભાવે ખેતીનો પાક કરવામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અને એટલે જ પંચમહાલના ખેડૂતો ઉનાળુ પાકની વાવણી કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે અરવલ્લીના ખેડૂતો પણ વારંવાર ઉદભવતી પાણીની સમસ્યાના કારણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. કેટલાક ખેડૂતોએ પાણીની સમસ્યાનું સમાધાન શોધતા એક નવતર પ્રયોગ હાથ ધર્યો અને પોતાના ખેતરમાં કૃત્રિમ તળાવ બનાવી પાક લેવાની શરૂઆત કરી છે.

રાજ્યના 7 જિલ્લામાં જીવાદારી સમાન સુજલામ સુફલામ કેનાલમાંથી છોડાતા પાણીના કારણે આ તમામ વિસ્તારના ખેડૂતોએ મબલખ પાકનું ઉત્પાદન કર્યું હતું. આ વિસ્તારના ખેડૂતોએ પાણીના ઘટના કારણે સિંચાઈની સમસ્યાનો કરવો પડતો હોવાની સરકારને અનેક વખત રજૂઆત કરી હતી. જેના બાદ રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કેડાણા ડેમમાં જળાશયોના પાણી છોડવાનું આયોજન હાથ ધરાયું હતું.