રીપોર્ટ@ગુજરાત: જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરી રાજીનામાની માંગ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકામાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના વેપારના વિવાદે હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી છે. જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં જિલ્લામાં અને 250થી વધારે તાલુકામાં જાણે કાયદો અને બંધારણના ધજાગરા ઉડતા હોય એમ દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સનો વેપલો અને કુટણખાના પણ ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસની રહેમ નજર વિના આ બધું શક્ય નથી. હું નથી માનતો કે ડ્રગ્સનો સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર જાહેર કરાઈ રહ્યો છે.
ગુજરાતના દરિયા કાંઠા પરથી અંદાજિત રૂ. 64 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. કોણ છે ગુજરાતનો એક બદમાશ મંત્રી જે ગુજરાતની યુવા પેઢીની નસોમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યો છે. જે મંત્રી દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સના કારોબાર અને કૂટણખાનામાંથી કમાય છે તે ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા મેવાણીએ કહ્યું કે ‘નથિંગ લેસ ધેન ધેટ. આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી'. આ ઉપરાંત તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ સવાલ કર્યો હતો કે, ‘આ વિશે મુખ્યમંત્રીને કંઈ કહેવાનું થતું નથી કે પછી તેમને મજા પડી રહી છે. તેમના પેટનું પાણી કેમ નથી હલતું જ્યારે તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં દારૂના કારણે બહેન-દીકરીઓ વિધવા થઈ રહી છે.’
આ વિશે વધુ વાત કરતા મેવાણીએ કહ્યું કે, ‘રાજ્યમાં અનેક સ્કૂલ-કોલેજો બહાર, હોસ્ટેલો અને યુનિવર્સિટીઓ બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. એટલે મુખ્યમંત્રી એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને યુવા પેઢીને બચાવી લે. જો ગુજરાતના કોઈપણ નાગરિકોને દારૂ, જુગાર, ડ્રગ્સ મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરાશે તો અમે ચલાવી નહીં લઈએ. કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાની છે.

