રીપોર્ટ@ગુજરાત: કેજરીવાલે AAPની સભામાં ખેડૂતો મામલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

 
કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે હડદડના ખેડૂતોનું સન્માન કર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાત મુલાકાતે સતત આવતા રહે છે. હાલ અરવિંદ કેજરીવાલ જયારે ગુજરાત મુલાકાતે છે ત્યારે રાજકોટમાં આજે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ કડદા કાંડ બાદ જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી તેવા ખેડૂતોમાંથી જેમના જામીન મંજુર થઇ ગયા છે. તેમનું આજે રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું હતું. AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હડદડના ખેડૂતોનું સન્માન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હડદડનું આંદોલન "ભાજપ ગુજરાત છોડો" આંદોલન બની રહ્યું છે. કડદા પ્રથાના વિરોધમાં પોતાનો હક માંગનાર ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. હડદડના ખેડૂતોએ ખુબ હિંમત બતાવી, તેમનાી સાથે આખો દેશ ઊભો છે. 2 વર્ષ પછી અમારી સરકાર બનશે ત્યારે ખેડૂતો પર કરાયેલા તમામ ખોટા કેસ રદ્દ કરીશું. જ્યાં સુધી એક-એક ખેડૂત જેલમાંથી બહાર નહિ આવે, ત્યાં સુધી અમે ચેનથી બેસવાના નથી.સમગ્ર ગુજરાત તમારો સાથ આપશે અને ભાજપના વિરોધમાં ઊભા રહેશે, ભાજપને હટાવીને જ દમ લઈશું. નશા કારોબારીઓને જેલમાં નાખતા નથી, પરંતુ ખેડૂતોને જેલમાં નાખવામાં આવે છે.

તેમણે કહ્યું, આ જ લોકો દારૂ વેચાવડાવે છે અને એના પૈસા તેમની જ પાર્ટીમાં જાય છે. મેં દિલ્હીમાં સારું કામ કર્યું તો મને પણ 6 મહિના જેલમાં મોકલી દીધો. મારા ઘરે રેડ પડી, પણ એક રૂપિયો પણ મળ્યો નહીં. દિલ્લીમાં સત્તા મેળવ્યા પછી આ લોકોએ હોસ્પિટલ બંધ કરી, મહોલ્લા ક્લિનિક બંધ કર્યા અને હવે સ્કૂલ પણ બંધ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જ્યારે ભાજપની નિષ્ફળતાઓ ગણાવી રહ્યા હતા ત્યારે એક કોંગ્રેસીએ આવીને તેમના પર જૂતું ફેંક્યું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે.