રિપોર્ટ@ગુજરાત: આજે લોક રક્ષક દળની લેખિત પરીક્ષા, ઉમેદવારોનું AI અને ફેશિયલ રેકોગ્નિશનથી થશે વેરિફિકેશન
વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 2.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,933 લોકરક્ષક (LRD) જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.પરીક્ષામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 2.63 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે.
ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ઉમેદવારોની ભારે અવરજવર જોવા મળી રહી છે.ભરતી બોર્ડે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના સમય કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપી છે. ટ્રાફિક, વરસાદ અથવા અન્ય અણધારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા રાજ્યભરના 878 પરીક્ષા કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તમામ પરીક્ષા હોલ અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉમેદવારોને મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, કેલ્ક્યુલેટર સહિતની તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ તેમજ મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.પરીક્ષા સંબંધિત અફવાઓ, ખોટા મેસેજ અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાના પ્રયાસોને રોકવા માટે સાયબર ક્રાઇમ વિભાગ પણ સક્રિય બન્યો છે.

