રીપોર્ટ@નર્મદા: કેવડીયામાં કલાનો મહાકુંભ! 17 રાજ્યોના ચિત્રકારોએ 'યુનિટી આર્ટ વર્ક'માં સર્જ્યા અદભૂત ચિત્રો

 
નર્મદા
જમ્મુ-કાશ્મીરથી આવેલા કલાકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક વિશિષ્ટ ચિત્ર તૈયાર કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એકતા નગરના ટેન્ટ સિટી-2 ખાતે ઈન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટર દ્વારા 'યુનિટી આર્ટ વર્ક' કેમ્પનું આયોજન કરાયું હતું. આ આર્ટ કેમ્પમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અલગ-અલગ રાજ્યોના ખ્યાતનામ ચિત્રકારોએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.ઈન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટરના રવિન્દ્ર મરડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ આર્ટ કેમ્પનું આયોજન કર્યું છે.

જેમાં ભારતભરમાંથી 15થી 20 વર્ષનો અનુભવ ધરાવતા 18 જેટલા કલાકારો જોડાયા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કન્ટેમ્પરરી આર્ટવર્કને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાનો છે.'માત્ર ચિત્રો બનાવવા પૂરતું જ નહીં, પરંતુ કલાને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવી તે માટે ખાસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના નામાંકિત આર્ટ ક્રિટિક્સ પ્રયાગ શુક્લ, જોની એમ.એલ. અને અશોક ભૌમિક ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કલાકારોને ચિત્ર માટે વિષયની પસંદગી કેવી રીતે કરવી. પેઇન્ટિંગને વધુ આકર્ષક અને અર્થસભર બનાવવાની તકનીકો. આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો માટે કઈ કઈ કાળજીઓ રાખવી જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.આ કેમ્પમાં કલાકારોએ પોતાની કલ્પનાશક્તિથી અદભૂત કૃતિઓ સર્જી હતી.

જમ્મુ-કાશ્મીરથી આવેલા કલાકાર કમલેશ કુમારી ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક વિશિષ્ટ ચિત્ર તૈયાર કર્યું હતું. તેમણે પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, 'સરદાર પટેલનું વ્યક્તિત્વ અને આ પ્રતિમા જોઈને મને પ્રેરણા મળી. મેં મારા પેઇન્ટિંગમાં વિંધ્યાચલની પહાડીઓની સાથે હિમાલયને પણ દર્શાવ્યો છે, જે ભારતીય એકતાનું પ્રતીક છે. સરદાર સાહેબનું કદ તેમના કાર્યોને કારણે હંમેશા ઉંચુ રહેશે, તે જ ભાવ મેં કંડાર્યો છે.'કેવડિયાનું પ્રાકૃતિક વાતાવરણ અને નર્મદાનો કિનારો કલાકારો માટે પ્રેરણારૂપ બન્યો હતો.