રિપોર્ટ@ગુજરાત: મહુડી મંદિરના ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ, જાણો સમગ્ર મામલો વિગતે

 
મહુડી

અન્ય ટ્રસ્ટીઓની સજાગતાથી સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મંદિરના ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. તેઓએ 14 કરોડની નોટો બદલ્યાનો અને 130 કિલો સોનાનુ કૌભાંડ કર્યાનો આરોપ છે. ટ્રસ્ટે ખરીદેલી સંપત્તિ ટ્રસ્ટના નામે કરવાનો આરોપ છે. ટ્રસ્ટો પર મંદિરની ભેટસોગાદ ટ્રસ્ટના ચોપડે લેવાનો આરોપ છે. ટ્રસ્ટના સભ્ય કાંતિ મહેતાએ આરોપ લગાવ્યો છે. તેમણે ટ્રસ્ટી ભુપેન્દ્ર વોરા અને એકાઉન્ટન્ટ પર આરોપ લગાવ્યો છે. ટ્રસ્ટી ભુપેન્દ્ર વોરાએ બધા આરોપ ફગાવ્યા છે.

ગયા વર્ષે પણ માણસા પાસે આવેલ સુપ્રસિધ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવિર મંદિરના બે ટ્રસ્ટીઓએ કૌભાંડ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બંને ટ્રસ્ટીઓએ ઘંટાકર્ણ મહાવીરને ચડાવેલા સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લીધાનું બહાર આવતા મુર્તિપૂજક જૈન સમાજમાં રોષનું મોજુ ફરી વળ્યુ હતું. અન્ય ટ્રસ્ટીઓની સજાગતાથી સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.આ મામલે મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના આઠ પૈકી એક ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇ વોરાએ મંદિરમાંથી સોના અને રોકડની ઉચાપત કરનાર અન્ય બે ટ્રસ્ટી નિલેશ કાંતીલાલ મહેતા તથા સુનિલ બાબુલાલ મહેતા સામે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા ઘંટાકર્ણ મહાવીર દેવના સંપૂર્ણ વર્ષનો સોનાના વરખનો ઉતારો વરસમાં એક વખત ધનતેરસના દિવસે ઉતારવામાં આવે છે. વર્ષ 2022માં મંદિરના ટ્રસ્ટી એ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં મૂકી ડોલ તિજોરીમાં મુકી હતી. જે ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગાળવા માટે બહાર કાઢી હતી. પરંતુ તે દિવસે સોનાનો વરખ ગાળવાનું શક્ય નહી બનતા ટ્રસ્ટીઓની હાજરીમાં ડોલ પુનઃ પાછળ જાળીમાં મૂકીને તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ 15 માર્ચ 2023ના રોજ ડોલમાં રાખેલ સોનાના વરખ અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળ્યો હતો. જેમાં 700 થી 800 ગ્રામ વજન ઓછુ ઉતર્યુ હતું.

આથી ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇ વોરાને શંકા ગઇ હતી. તેઓએ આ મામલે સ્ટાફના માણસોને કડક શબ્દોમાં પુછતા સ્ટાફે થોડા દિવસ પુર્વે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા આવ્યા હોવાનું અને તેઓએ સ્ટાફને સાથે રાખીને પાછળની જાળીમાં મુકેલ સોનાની વરખની ડોલ તથા બીજી સોના ચાંદીની લગડીઓ બહાર કાઢી હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદની તપાસમા ઉપરોક્ત બંને ટ્રસ્ટીઓ એકાઉન્ટન્ટની ઓફિસમાં ગયા હતા. જ્યાં સ્ટાફને જમવાના બહાને બહાર મોકલીને સોનાના 700 થી 800 ગ્રામ વરખ પોતાની સાથે લાવેલ બે થેલામાં મુકીને ઉચાપત કરી હોવાનું જણાયુ હતું.