રીપોર્ટ@ગુજરાત: સોલારને લઈ સરકારની મોટી જાહેરાત, હવે સસ્તામાં સોલાર લગાવી શકશો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવીને વીજળીના બિલમાં બચત કરવા માગતા નાગરિકોને હવે રાજ્ય સરકાર તરફથી વધારાની સબસિડીનો લાભ મળશે. ‘PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ 2 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવતા પરિવારો માટે વધારાની રાજ્ય સબસિડી આપવાનો નિર્ણય 21 ઑક્ટોબરની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ નિર્ણયથી સામાન્ય વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10 ટકા અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ માત્ર 5 ટકા રકમ ચૂકવવાની રહેશે. બાકીની પાત્ર રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય દ્વારા આવરી લેવામાં આવશે.રાજ્ય સરકારના આ પગલાથી 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળવાની અપેક્ષા છે. આ યોજના માટે રાજ્ય સરકાર અંદાજે રૂ.1,000 કરોડનો ખર્ચ કરશે.રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, 1 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો બેન્ચમાર્ક ખર્ચ ₹54,000 છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી ₹32,400ની સહાય મળતી હતી, જ્યારે બાકીના ₹21,600 લાભાર્થીએ ચૂકવવા પડતા હતા. હવે વધારાની રાજ્ય સબસિડી મળવાથી લાભાર્થીના પોતાના ખિસ્સામાંથી થનારો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.સામાન્ય વીજ ગ્રાહકો: માત્ર ₹5,400,SC/ST કેટેગરીના વીજ ગ્રાહકો: માત્ર ₹2,700,કુલ બેન્ચમાર્ક ખર્ચ: ₹54,00 એટલે કે, સામાન્ય પરિવારોને કુલ બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10 ટકા અને SC/ST પરિવારોને માત્ર 5 ટકા જ ચૂકવવાના રહેશે.
જો કોઈ પરિવાર 2 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માગે છે, તો તેને પણ નવી સબસિડીનો લાભ મળશે.આ સિસ્ટમનો નક્કી કરાયેલો બેન્ચમાર્ક ખર્ચ ₹1,07,200 છે. અગાઉ કેન્દ્ર સરકાર તરફથી ₹62,800ની સહાય મળતી હતી અને બાકીના ₹44,400 લાભાર્થીએ ચૂકવવાના થતા હતા. નવી રાજ્ય સબસિડી બાદ લાભાર્થીએ ચૂકવવાની રકમ આ પ્રમાણે રહેશે: સામાન્ય વીજ ગ્રાહકો: માત્ર ₹10,720, SC/ST કેટેગરીના વીજ ગ્રાહકો: માત્ર ₹5,360, કુલ બેન્ચમાર્ક ખર્ચ: ₹1,07,200 આ રીતે, રાજ્ય સરકાર બાકીની પાત્ર રકમ સબસિડીના સ્વરૂપમાં ભોગવશે. જોકે, વાસ્તવિક ઇન્સ્ટોલેશન ખર્ચ અને યોજનાની પાત્રતા સંબંધિત નિયમો લાગુ પડશે. ગુજરાત સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ પરિવારોને સોલાર ઊર્જા તરફ વાળવાનો છે. સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો પ્રારંભિક ખર્ચ ઘણા પરિવારો માટે મોટો અવરોધ બની રહે છે. હવે રાજ્ય સરકાર વધારાની સહાય આપશે તો આ ખર્ચમાં મોટો ઘટાડો થશે. આ યોજનાથી ખાસ કરીને સામાન્ય, મધ્યમવર્ગીય અને SC/ST કેટેગરીના પરિવારોને રાહત મળવાની આશા છે. રાજ્ય સરકાર અંદાજે ₹1,000 કરોડનો ખર્ચ કરીને 3 લાખથી વધુ પરિવારોને લાભ પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.

