રીપોર્ટ@ગુજરાત: મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર, 800 મહેસૂલી તલાટી અને ક્લાર્કની નાયબ મામલતદાર તરીકે બઢતી

 
મહેસુલ વિભાગ
80 જેટલા કાર્યરત નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેરબદલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બે અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યના 800 જેટલા મહેસૂલી તલાટી અને ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે અન્ય એક હુકમ દ્વારા 80 જેટલા કાર્યરત નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ નિર્ણયોથી મહેસૂલી તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફાર જોવા મળશે.પગાર ધોરણમાં ઉછાળો અને બઢતીની શરતો મહેસૂલ વિભાગના ઉપ સચિવ પૂજા ઉપાધ્યાય દ્વારા જાહેર કરાયેલ બઢતીના હુકમ મુજબ, પે-મેટ્રિક્સ લેવલ-2 (19,900થી 63,200 રૂપિયા)માં ફરજ બજાવતા મહેસૂલી કારકુન અને તલાટીઓ હવે નાયબ મામલતદાર બનતા લેવલ-7 (રૂ. 39,900થી 1,26,600)ના પગાર ધોરણનો લાભ મેળવશે. આ બઢતી માટે શરત રાખવામાં આવી છે કે કર્મચારી સામે કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ પેન્ડિંગ ન હોવો જોઈએ.

આ સમગ્ર પ્રક્રિયા હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી વિવિધ અરજીઓના આખરી ચુકાદાને આધીન રહેશે.બીજી તરફ, વહીવટી જરૂરિયાત અને કર્મચારીઓની સ્વ-વિનંતીને ધ્યાને રાખીને 80 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય જિલ્લાઓમાં નવી નિમણૂકો અપાઈ છે. સેક્શન અધિકારી રવિ પટેલના હુકમ મુજબ, સ્વ-વિનંતીથી બદલી લેનારા કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ભાડાભથ્થુ કે જોઈનીંગ ટાઈમ મળશે નહીં. જે કર્મચારીઓ આ બદલીથી સંતુષ્ટ ન હોય, તેમણે 2 દિવસમાં વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે.હાલમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી, ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની બઢતી અને બદલી હાલ 'In-situ' ગણાશે. આ કર્મચારીઓને આચારસંહિતાની મુદત પૂર્ણ થયા બાદ જ નવા નિયત જિલ્લા કે સ્થળ પર હાજર થવા માટે છૂટા કરવામાં આવશે.