રિપોર્ટ@ગુજરાત: મનસુખ વસાવાએ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન મામલે ભાજપના જ નેતાઓ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

 
મનસુખ વસવા
રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયા નાં હપ્તા આપે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરુચના ભાજપ સાસંદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે ફરી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન મામલે પોતાની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માંગ કરી છે.આ સમગ્ર મામલે તેઓએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણ થી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને જીલ્લાનાં ધારાસભ્યો તથા મે સ્વયં જીલ્લા સંકલનની મીટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડા માં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે.

તેમણે જણાવ્યુ કે, તેમણે આ મામલે ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું. જે બાદ કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વ્હેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા, નાના વાસણા ગામે કલેકટરએ ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમએ કાર્યવાહી કરવાનાં બદલે એમને ભગાડી મૂક્યા હતાં.

મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે, ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગત થી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે. મનસુખ વસાવાએ કહયુ કે, નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબત ની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે. તેઓએ જણાવ્યુ કે તેઓ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરશે કે, રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.