રીપોર્ટ@ગુજરાત: અંબાજી, દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, યાત્રાધામો ભક્તિમય!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ છવાયો છે. અંબાજી, દ્વારકા, ડાકોર, પાવાગઢ, શામળાજી અને અમદાવાદના મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યના મંદિરો રોશની, ફૂલોના શણગાર અને ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કારતકી પૂનમને લઈને હજારો ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટ્યા છે. આજનો દિવસ ડાકોર માટે અત્યંત ઐતિહાસિક છે, કારણ કે ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર આવ્યા તેને આજે 871 વર્ષ પૂર્ણ થયા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
વહેલી સવારે 4:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થયા બાદ સતત આખો દિવસ ભક્તોને દર્શનનો લાભ મળી રહ્યો છે. આજના પાવન દિવસે ભગવાન રાજા રણછોડ વર્ષો જૂનો સવા લાખનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપી રહ્યા છે. વર્ષો પહેલા એક ભક્ત દ્વારા ભેટમાં આપવામાં આવેલો આ અમૂલ્ય મુગટ ભગવાન વર્ષમાં માત્ર 3 વખત જ ધારણ કરે છે.
શક્તિપીઠ અંબાજી દિરમાં પણ કાર્તિકી પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારની મંગળા આરતીમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આ પાવન અવસરે મેયર હિતેશભાઈ બારોટ તેમજ ધારાસભ્ય અમિતભાઈ શાહ અને કૌશિક જૈને પણ અંબાજી પહોંચીને મંગળા આરતીના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
કાર્તિક પૂર્ણિમાએ દ્વારકાના જગત મંદિરે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન માટે પહોંચ્યા છે. હજારો ભક્તોની લાંબી કતારો વચ્ચે 'જય દ્વારકાધીશ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. બીજી તરફ, અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દૂર-દૂરથી ભક્તો ધજા-પતાકા સાથે શામળિયાના દ્વારે પહોંચ્યા છે. ભગવાનને સ્નાન કરાવીને મંગળા આરતી કરાઈ હતી, જ્યારે મંદિર પરિસર અને શિખરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ આજે દેવ દિવાળીના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સમયે ઉપસ્થિત હજારો ભક્તોએ માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસરના વાતાવરણને ભક્તિમય બનાવી ગુંજવી દીધું હતું. આજના પવિત્ર દિવસે ભક્તોએ માતાજીની મંગળા આરતી તેમજ ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

