રીપોર્ટ@ગુજરાત: નવરાત્રિના થનગનાટ વચ્ચે મેઘરાજાએ ડાંગ જિલ્લાને ધમરોળ્યો, 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ

 
વરસાદ
વરસાદી માહોલથી ખેલૈયાઓની મજા બગડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવરાત્રિની શરૂઆત થતાં જ મેઘરાજાએ ડાંગ જિલ્લાને ધમરોળ્યો છે. ડાંગના આહવામાં 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ થયાં છે. ભારે વરસાદને કારણે જિલ્લાના 29 જેટલા માર્ગો બંધ થયા છે. ભેખડ અને વૃક્ષો ધરાશાયી થતાં માર્ગો બંધ થયા છે. વઘઈમાં પણ ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.વઘઈ જવાનો રસ્તો બંધ થતાં લોકો અટવાયા હતાં.

આહવાના પીપરી ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી પીપરી ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડી હતી. વરસાદથી અંબિકા, ગીરા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચીકટીયા ગામ નજીક ધોવાણ થયું છે. નદી કાંઠે વસતા અનેક લોકોના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. આહવામાં મૂલચૌડ પાસે ભૂસ્ખલન થતાં રસ્તાનું ધોવાણ થયું છે. જેના કારણે ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતાર જોવા મળી છે.