રીપોર્ટ@ગુજરાત: મધ્યાહન ભોજન કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી, સરકારના નિર્ણય સામે રોષ

 
વિરોધ

પોતાની માગને લઈને કેન્દ્ર પર કામકાજ બંધ રાખી ધરણાં કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે. સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો, MLAને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવો કરશે. માર્ચ મહિનામાં પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ આગામી 1 એપ્રિલથી મધ્યાહન ભોજન કર્મીઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો. ગરીબ અને વંચિત વર્ગના બાળકો સારું પોષણ મેળવી શૈક્ષણિક ઉન્નતિ સાધી સામાજિક સમાનતા મેળવે તેમજ દેશના વિકાસમાં ફાળો આપે તે આ મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. પરંતુ મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ જ અત્યારે મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યા છે.

આ યોજના હેઠળ કામ કરતાં સંચાલકો, રસોઈ તેમજ મદદનીશ તરીકે મોટાભાગે મહિલાઓનો સમાવેશ કરાયો છે. અને તેમને બહુ મામૂલી વેતન આપવામાં આવે છે તેવું આ કર્મચારીઓનું માનવું છે. મધ્યાહન ભોજન કર્મીઓનું કહેવું છે કે તેમના કામ સામે તેમજ અત્યારના સમય મુજબ તેમને વેતન આપવામાં આવતું નથી. જ્યારે વેતન વધારવાની માગ કરાઈ ત્યારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરી દેવામાં આવ્યું. અને એટલે જ સરકારના આ નિર્ણય સામે મધ્યાહન ભોજન કર્મીઓમાં રોષ જોવા મળ્યો. આગામી દિવસોમાં પોતાની માગને લઈને કેન્દ્ર પર કામકાજ બંધ રાખી ધરણાં કરશે. મહત્વનું છે કે સરકારી શાળાઓમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં 1984માં શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ઘના બાળકો માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવતું હતું. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ફંડ આપે છે.સરકાર દ્વારા નિમણૂંક કરાયેલા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા તમામ સરકારી શાળાઓના બાળકોને ગરમ અને રાંધેલુ ભોજન પીરસવામાં આવે છે. રાજ્યમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ગરીબ બાળકોને વધુ પોષણ મળી રહે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર મધ્યાહન ભોજન કર્મીઓને જ અન્યાય થઈ રહ્યો છે. 

​​​​​​