રિપોર્ટ@ગુજરાત: કુપોષિત બાળકો માટેની સંજીવની યોજનાના દૂધના પાઉચ કેરેટ સાથે ખુલ્લામાં ફેંકી દેવાયા

 
દૂધ

બાળકોમાં કુપોષણ દૂર થાય તે અભિગમ હેઠળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નસવાડી તાલુકાના દામણી આંબા ગામે મુખ્ય રોડ ઉપર કુપોષિત બાળકો માટેની યોજના સંજીવની યોજનાના દૂધના કેરેટ સાથે ફેંકી દેવાયેલા પાઉચ મળ્યા હતાં. તંત્રની ઘોર બેદરકારી બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા ટ્રાયબલ વિભાગની યોજનામાંથી કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે.

આ યોજના હેઠળ અપાતા દૂધથી આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે અભિગમ હેઠળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. નસવાડી તાલુકાના દામણી આંબા ગામે મેઈન રોડ ઉપર દૂધ સંજીવની યોજનાના દૂધ ભરેલા કેરેટ અને છૂટ્ટા દૂધના પાઉચ રોડ ઉપર તેમજ કાંટાની વાળમાં ફેકી દેવાયેલા મળ્યા હતાં. આ દૂધ ચાર પાંચ દિવસ પહેલાનું હોવાનું જાણવા મળ્યું છે. દૂધના પાઉચ ભૂલથી કોઈ બાળક આરોગી જાય અથવા તો અન્ય કોઈ જાનવર દૂધ પીએ તો ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ રહેલી છે.

આ અંગે દામણી આંબા પ્રાથમિક શાળાના શિક્ષકે જણાવ્યું કે અમારું દૂધ નથી જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ બરોડા ડેરીને પત્ર લખીને સંજીવની યોજનાનું દૂધ બંધ કરાવવામાં આવેલ છે તો પછી આ દૂધ કોનું છે તેની ખબર નથી. પરંતુ આંગણવાડીમાં દૂધ આવે છે. દૂધને ખુલ્લામાં ફેંકી દેવા માટે કોણ જવાબદાર તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.