રીપોર્ટ@ગુજરાત: મોડાસામાં ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ

 
Varsad

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે દધાલીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણ વાહનો પણ તણાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

મોડાસામાં ગઈકાલ સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ત્યારે દધાલીયામાં આભ ફાટતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી બે કાર અને બે બાઇક પાણીમાં તણાઈ ગયા. ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં ગ્રામજનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.

નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતાં યાલ મોવી પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે. સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરુ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઑફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.