રીપોર્ટ@ગુજરાત: રૂ.663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ', સરકારનો મોટો નિર્ણય

 
પંચાયત ભવન
2666 ગામોમાં નવા ભવનોનું નિર્માણ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે નવા 'પંચાયત ઘર કમ તલાટી આવાસ'નું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ સાથે જ શહેરી જેવી સુવિધાઓ ગામડામાં પહોંચાડવા માટે 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત ભવનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

કુલ રૂ. 663 કરોડના ખર્ચે 2666 ગામોમાં નવા ભવનોનું નિર્માણ થશે. આ ભવનોમાં પંચાયત ઘરની સાથે તલાટી માટે આવાસની પણ વ્યવસ્થા હશે, જેથી સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ વધુ સરળતાથી મળી રહે. રાજ્ય સરકાર આગામી સમયમાં કુલ 10,000 થી વધુ આધુનિક 'ગ્રામ સચિવાલય' બનાવવાનું આયોજન ધરાવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા ગામડાઓમાં શહેરો જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. એવા 114 ગામો (જે તાલુકા મથક છે પણ નગરપાલિકા નથી) ને આ યોજનામાં આવરી લેવાયા છે.રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાનું પાણી, ગટર-સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ સેન્ટર અને કોમ્યુનિટી હોલ.

આગામી સમયમાં 10,000 થી વધુ વસ્તી ધરાવતી તમામ ગ્રામ પંચાયતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.સરકારના જણાવ્યા અનુસાર, શહેરો પર વસ્તીનું ભારણ વધી રહ્યું છે. જો ગામડાઓમાં જ રોજગારી અને આધુનિક સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર) મળી રહે, તો શહેરીકરણના દબાણને સંતુલિત કરી શકાય છે. આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.