રીપોર્ટ@ગુજરાત: નવી ભરતીના યુવા ઈજનેરને મોંઘોદાટ બંગલો, વૈભવી લાઇફસ્ટાઇલથી ચકાચૌંધ

 
ગુજરાત
આ પ્રકારના ઈજનેરોને વર્ષે કરોડોના કામો ભાગ્યે જ મળતાં હશે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

કુદરત છપ્પર ફાડીને આપે કે સિસ્ટમમાંથી મેળવી લેવાય એ પરિસ્થિતિ ઉપર આધાર છે પરંતુ આ બંનેનો સુભગ સમન્વય દક્ષિણ ગુજરાતના એક ઈજનેરને ત્યાં થયો છે. નવી ભરતીના નાયબ ઈજનેરને અચાનક સુવર્ણકાળ શરૂ થઈ ગયો કહો તો નવાઇ નથી. જિલ્લા કક્ષાનો ચાર્જ, મહાકાય રકમના કામો, સાંસારિક જીવનની શરૂઆત થઈ અને પછી ગણતરીના મહિનાઓમાં વૈભવી લાઇફસ્ટાઇલમાં રાચતાં થયા છે. કરોડથી ઓછી રકમનો બંગલો ખરીદ્યો, મોંઘીદાટ ગાડીઓ, જવેરાત સહિતનું બેસકિંમતી પૂરતું ગણો તો પગ તળેથી જમીન સરકી જાય તેવું છે. આ બધું કેવીરીતે તે સહિતનો રીપોર્ટ વાંચો નીચેના ફકરામાં.

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આ પ્રકારના ઈજનેરોને વર્ષે કરોડોના કામો ભાગ્યે જ મળતાં હશે. પરંતુ દક્ષિણ ગુજરાતના એક ઈજનેરને જીંદગીનો સોળે કળાએ સુરજ ઊગ્યો હોય તેવી રોનક જોઈ અમલદારો સહિતના ચોંકી ઉઠ્યા છે. નવી ભરતીના તાલુકા/ક્લસ્ટર કક્ષાના ઈજનેર બન્યા ત્યારથી વહીવટમાં ફાવટ આવાની શરૂ થઈ હતી. આ પછી ગણતરીના વર્ષોમાં આ ઈજનેરને જિલ્લા કક્ષાની જવાબદારી મહેરબાનીથી મળ્યા બાદ પાછું વળીને જોયું નથી. હજુ તો સાંસારિક જીવનની શરૂઆત થઈ અને ઈજનેરને કુદરતે અથવા સિસ્ટમે છપ્પર ફાડીને આપ્યું અથવા ભેદી રીતે મેળવી રહ્યા છે. એકબાજુ કરોડોના કામો આવવા લાગ્યા અને બીજી તરફ સાંસારિક જીવનની શરૂઆત થઈ ત્યારે પોતાના પાત્રને પણ સેલિબ્રિટી જેવી લાઈફ આપી દીધી છે. સરેરાશ 90 લાખનો મહાકાય બંગલો, મોંઘા વાહનો અને પરિચિતોને પણ ખુશીઓ કરાવી રહ્યા છે. મોટી તાકાતની કૃપાથી આવતાં પવિત્ર પાણીમાં આ ઈજનેરે એવી તો વૈભવી જીવનની ડુબકી લગાવી છે તે જાણી અન્ય જિલ્લાઓના ઈજનેરો પણ ચોંકી ઉઠ્યા છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ ઈજનેરના વડપણ હેઠળના થોકબંધ કામોમાં ભ્રષ્ટાચારની દુર્ગંધના મુદ્દાઓ ઉઠી રહ્યા છે. વારંવાર કોઈને કોઈ રીતે ઉભા થતાં મુદ્દાઓને પણ ચાલાકીથી દાબી દેવાની એક્ષપર્ટ ધરાવતાં યુવા ઈજનેર ભ્રષ્ટાચારની દુર્ગંધથી તો બેફિકર છે. ચેમ્બરમાં ખૂબ ઓછો સમય આપતાં અને મોટાભાગનું કામ ફોન અને માણસ મારફતે કરતાં યુવા ઈજનેરની જો આવી રફ્તાર રહી તો 40 સુધી પહોંચતાં કરોડોથી પણ વધુનું સામ્રાજ્ય બનાવી શકે છે. આ તમામ કેવીરીતે થઈ રહ્યું તે સમજવું હોય તો આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણજો કે, યુવા ઈજનેરને પોતાની ટીમમાં મહત્તમ સાથી ઈજનેરો, ટેકનિકલો સાથ આપી રહ્યા પરંતુ "રામ છે" એ કહેવત મુજબ અમુક પ્રામાણિકોનો નાનો પ્રયત્ન ગાંધીનગર પહોંચવા કેવીરીતે દોડધામ કરી રહ્યો છે.