રિપોર્ટ@ગુજરાત: પોરબંદરના દરિયામાંથી 500 કિલોથી વધું ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

 
ડ્રગ્સ
પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે.પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી.

ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી.ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે.

છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે.