રીપોર્ટ@ગુજરાત: તાલાલામાં આજે ઉપરાછાપરી બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથના તાલાલા પંથકમાં આજે ઉપરાછાપરી બે વખત ધરતી ધ્રૂજી, બપોરે 2.29 કલાકે 2.9ની તીવ્રતા અને ત્યારબાદ 2.53 કલાકે 3.0ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો, છેલ્લા એક મહિનામાં 5 વખત ભૂકંપ.ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે બપોરના સમયે ઉપરાછાપરી બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.ગુજરાતના કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે તાલાલામાં છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો આંચકો છે. પ્રથમ આંચકો બપોરે 2.29 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ત્યાર બાદ માત્ર 24 મિનિટના અંતરે બપોરે 2.53 કલાકે 3.0ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાછાપરી આંચકાને કારણે ભયભીત થયેલા લોકો તુરંત ઘરની બહાર સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.તાલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અગાઉ 19 નવેમ્બરના રોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિલોમીટર દૂર હતું.રાજ્યમાં 24 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધીમાં કુલ 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

