રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ રથયાત્રામાં PM મોદીને અપાયું આમંત્રણ
અષાઢી બીજ પર અનેક રાજકીય આગેવાનો રથયાત્રામાં હાજર રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જગન્નાથ મંદિર દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલવામાં આવી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને અમદાવાદ જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાને લઈ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનોને પણ આમંત્રણ અપાયું છે.
કોંગ્રેસના આગેવાનો પણ રથયાત્રાના આગલા દિવસે એટલે કે 6 જુલાઈએ રથ પૂજા માટે અમદાવાદના મંદિરમાં હાજર રહેશે. અષાઢી બીજ પર અનેક રાજકીય આગેવાનો રથયાત્રામાં હાજર રહેશે. રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગલા આરતીમાં આપી શકે છે હાજરી તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર બીજીવાર કરશે પહિંદવિધી. રથયાત્રાની આમંત્રણ પત્રિકા, મંદિર સુશોભણ, સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો શુભારંભ થાય છે. આપણે વર્ષોથી રથયાત્રા પર્વમાં ભાગ લઇએ છીએ પણ રથયાત્રાના કેટલીક વિધિ વિશે જાણતા હોતા નથી. રથયાત્રાની એક વિધી જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જગનાથની રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ થાય છે. આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.