રીપોર્ટ@ગુજરાત: PM મોદી આજે સાણંદમાં કરશે CG સેમિ-OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ નરેન્દ્ર મોદી આજે 4 જુલાઈ, શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ પહોંચશે. સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ એક જનસભા પણ સંબોધશે. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી CG સેમિની OSAT સુવિધામાં ચાલતી વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશે.
આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ PM મોદી એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. ગુજરાતની મુલાકાત લેતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં પણ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા સાથે તેઓ મોડિફાઈડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ બપોરે બાલોત્રામાં આશરે રૂ.1.06 લાખ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી જાહેરસભા સંબોધશે.
ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાં આ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેને ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્લાન્ટ CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂ.7600 કરોડના જંગી ખર્ચે સાણંદમાં શરૂ કરવામાં આવ્યો છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદની અંદર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત અને વિકસિત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનો આ વિકાસ આ દાયકાને ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત કરશે.

