રીપોર્ટ@ગુજરાત: આવતીકાલે PM મોદી વડોદરાની મુલાકાતે, સુરક્ષાને લઈને પોલીસ તંત્ર એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
PM નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તેમના પ્રવાસને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરા એરપોર્ટથી લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે પોલીસ દ્વારા રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું.
PM મોદીન આગમન અને સભા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય સંકલન થાય તે માટે SPG તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં સક્રિય રીતે જોડાયા હતા. એરપોર્ટથી સભા સ્થળ સુધી PM મોદીના કાફલાની અવરજવર, રસ્તામાં સુરક્ષા બંદોબસ્ત અને સંભવિત સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ સહિતની વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન મુખ્ય માર્ગો પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ બદલવામાં આવી હતી.
વડોદરામાં PM મોદી MS યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવા વર્ગને આકર્ષવા માટે અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સભા માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને અંદાજે 200 મીટર લાંબો રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ રેમ્પના માધ્યમથી PM મોદી ચાલતા-ચાલતા યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને સંબોધશે.સભા સ્થળે વિશાળ ડોમમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થિત પ્રવેશ અને ભીડનું સંચાલન સરળ બને તે માટે અલગ-અલગ કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં ભાગ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. PM મોદીના પ્રવાસને લઈને શહેરમાં સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. PM મોદીની સભાને લઈને વડોદરામાં ખાસ કરીને યુવાનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. GEN Z વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સભામાં પરંપરાગત સભા કરતાં અલગ અંદાજ જોવા મળશે. લાંબા રેમ્પ પર ચાલતા-ચાલતા PM મોદી યુવાનોને સંબોધશે.

