રીપોર્ટ@ગુજરાત: પીએમ મોદી આજે ભગવાન સોમનાથના શરણે, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે

 
મોદી
વિશાળ જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના શરણે પહોંચશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ પહોંચી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે. સોમનાથ હેલિપેડ ખાતે 09:50 વાગ્યે વડાપ્રધાનનું આગમન થશે.

હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં વાયુસેનાના સૂર્યકિરણ એર-શોનું પણ વિશેષ આકર્ષણ રહેશે.સવારે 10:15 વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ મોદીના હસ્તે બીડું હોમાશે. ત્યારેબાદ મંદિર પરિસરમાં 11 પવિત્ર તીર્થોના જળથી પવિત્ર કુંભાભિષેક વિધિ અને ધ્વજારોહણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. 11:45 વાગ્યે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપશે. ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરશે. બપોરનું ભોજન અને વિરામ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રહેશે અને 03:25 વાગ્યે સોમનાથ હેલિપેડ મારફતે વડાપ્રધાન વડોદરા જવા માટે પ્રસ્થાન કરશે.સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે.

પશ્ચિમ બંગાળમાં મેળવેલી શાનદાર જીત બાદ વડાપ્રધાન પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ઉત્સાહનો માહોલ છે. અહીં તેમના સ્વાગત માટે વિશેષ 'બંગાળ થીમ' તૈયાર કરવામાં આવી છે. વડોદરામાં પીએમ મોદી 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે અને એક વિશાળ જનસભાને સંબોધન કરીને પોતાના પ્રવાસનું સમાપન કરશે.