રીપોર્ટ@દેશ: 'વંદે માતરમ્' મુદ્દે PM મોદીનું સંસદમાં સંબોધન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદનામાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઉર્જા અને પ્રેરણા આપી. તેના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. તેઓએ કહ્યું, કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટીની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર લોકોને જેલમાં બંધ કરી દેવાયા હતા. વધુમાં કહ્યું કે 1857માં સ્વતંત્રતા સંગ્રામ બાદ અંગ્રેજો ગભરાઈ ગયા હતા અને ભારત પર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમનું રાષ્ટ્રીય ગીત ગોડ સેવ ધ ક્વીન ઘરે ઘરે પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું.
વંદે માતરમ્ સ્વતંત્રતાના આંદોલનનો સ્વર બની ગયું. વંદે માતરમ્ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું. પીએમ મોદીએ કહ્યું, કે અંગ્રેજોએ વંદે માતરમ્ બોલવા પર સજાનો કાયદો બનાવ્યો હતો. પ્રતિબંધના વિરોધમાં બારિસાલની વીરાંગના સરોજની બોસે કહ્યું હતું કે આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો હું મારી બંગડીઓ કાઢી નાંખીશ. તે સમયે બંગડીઓ કાઢવી મહિલા માટે ખૂબ મોટી વાત કહેવાતી.
પીએમ મોદીએ કહ્યું, કે આપણાં દેશના બાળકોએ પણ અંગ્રેજોને હેરાન કરી નાંખ્યા હતા. નાના બાળકો વંદે માતરમ્ ની પ્રભાત ફેરી કાઢતા. તેમને નાની ઉંમરમાં જેલમાં બંધ કરી ચાબુક મારવામાં આવતી. આજે દરેક દેશવાસીને ગર્વ થવો જોઈએ કે દુનિયાના ઈતિહાસમાં ક્યાંય એવું કોઈ કાવ્ય નથી જે સદીઓ સુધી એક લક્ષ્ય માટે કરોડો લોકોને પ્રેરિત કરતું હોય. પીએમ મોદીએ કહ્યું, વંદે માતરમ્ સાથે વિશ્વાસઘાત અને અન્યાય કેમ થયો? 1937માં ઝીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો. જવાહરલાલ નહેરુને પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું. ઝીણા તથા મુસ્લિમ લીગને જડબાતોડ જવાબ આપવાને બદલે નેહરુએ વંદે માતરમ્ વિરુદ્ધ જ તપાસ શરૂ કરી નાંખી. નેહરુજી કહે છે કે મેં આ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે, મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડથી મુસ્લિમો ભડકશે. જે બાદ કોંગ્રેસે કહ્યું કે 26 ઓક્ટોબરે કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં આ ગીતની સમીક્ષા કરવામાં આવશે.

