રીપોર્ટ@દેશ: PM મોદીનો ગુજરાતીઓને ખાસ સંદેશ, બેસતા વર્ષ પર જાણો શું કહ્યું?

 
Modi
ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બેસતા વર્ષના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશભરના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે તેવી કામના કરી હતી. તેમણે પોતાની શુભેચ્છામાં લખ્યું હતું કે, 'નૂતન વર્ષાભિનંદન.નવા વર્ષની આ શુભ શરૂઆત આપ સૌના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલીની નવી આશાઓ લઈને આવે. આપ સૌનું જીવન ઉત્તમ સ્વાસ્થ્ય, આનંદ અને ઉત્સાહથી ભરેલું રહે તેવી હાર્દિક શુભકામનાઓ.' PM મોદીના આ શુભેચ્છા સંદેશને લઈને ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ગુજરાતી નૂતન વર્ષના પવિત્ર દિવસથી વિક્રમ સંવત 2083નો પ્રારંભ થયો છે.

સનાતન ધર્મમાં બેસતા વર્ષને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે કારતક સુદ એકમથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાનાં આરાધ્ય દેવનાં દર્શન કરી પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. સાથે જ સદવિચાર, સત્કર્મ, સેવા અને પરોપકારના માર્ગે આગળ વધવાનો સંકલ્પ પણ લે છે.બીજી તરફ, બેસતા વર્ષના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને પૂજા-અર્ચના અને આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે વિક્રમ સંવત 2083ના પ્રારંભે ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' અને 'નશામુક્ત ભારત'ના વિઝનને ધ્યાનમાં રાખીને સૌએ સાથે મળીને 'વિકસિત ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત'ના નિર્માણ માટે કામ કરવું જોઈએ. નવા વર્ષમાં સૌના સહયોગ અને સંકલ્પથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. આમ, બેસતા વર્ષના અવસરે PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા સંદેશ સાથે સુખાકારી અને વિકસિત ભારત-ગુજરાતનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.