રિપોર્ટ@ગુજરાત: અમરેલી જિલ્લાના લેટરકાંડમાં મહિલા આરોપીનાં મામલે રાજકારણ ગરમાયું, શું છે સમગ્ર મામલો? જાણો
![Letarkand](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/8296744953127ccaeae70628435ffc8f.jpg)
સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક પગલા ભરાવવા માંગ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીમાં પાંચેક દિવસ પહેલા નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરતો બનાવટી પત્ર તાલુકા પંચાયતનાં પ્રમુખ કિશોર કાનપરીયાનાં નામે ભાજપનાં કાર્યકર્તા મનિષ વઘાસિયાએ બનાવીને વાયરલ કર્યાની ઘટના બાદ પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કર્યા બાદ મહિલાની ખોટી રીતે ધરપકડ થયાનું જાણીને હવે વિપક્ષી નેતાઓ અને પાટીદાર સમાજનાં આગેવાનો મેદાનમાં આવેલ છે.
અમરેલીનાં પોલીસ અધિક્ષક સંજય ખરાતે પણ સમગ્ર કાર્યવાહી નિયમાનુસાર થઈ હોવાનું જણાવ્યું છે. અંતે સરકારનાં પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે મહિલા આરોપીનું સરઘસ કાઢવામાં નથી આવ્યું તેમ જણાવીને આ પ્રકરણને શાંત પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા સામે ગંભીર આક્ષેપો કરતો બોગસ લેટર બનાવનાર ચારેય શખ્સો પોલીસના સકંજામા છે. ત્યારે સમગ્ર ઘટનાને પટેલ સમાજનો મુદો બનાવવાની ઉતાવળમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સમગ્ર કાંડના મુખ્ય સુત્રધારને મહિલા આરોપીનો માલિક ગણાવતા નવો વિવાદ સર્જાયો છે.
આ પુર્વે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઇ પટેલને પત્ર પાઠવી લેટરકાંડમા ઓપરેટર તરીકે કામ કરનાર પટેલ સમાજની દીકરીની સંડોવણી ખુલતા આ કુંવારી દીકરીને રાત્રે 12 વાગ્યે પોલીસે ઘરેથી ધરપકડ કરી મુખ્ય રસ્તા પર સરઘસ સ્વરૂપે ફેરવી હતી.
જિલ્લામા અન્ય ગુનેગારોના પોલીસ કયારેય સરઘસ કાઢતી નથી. મહિલા આરોપીના ફોટા પણ વાયરલ કરતી નથી. ત્યારે નરેશભાઇ પટેલે આ માટે આગળ આવી દીકરીને સાથ સહકાર આપી બિનઅધિકૃત રીતે સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક પગલા ભરાવવા માંગ કરી છે.