રિપોર્ટ@ગુજરાત: અંકલેશ્વરમાં નોકરીની ભીડ મુદ્દે રાજકારણ ગરમાયું, શું હતી સમગ્ર ઘટના? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત જ નહિં પરંતુ દેશના મુખ્ય ઔદ્યોગિક હબમાં જેની ગણના થાય છે તેવા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ 5 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરી હતી.જેમાં 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા. હવે આ વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયુ છે. મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસ નેતા મુમતાજ પટેલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યુ છે કે અંકલેશ્વરના દ્રશ્યો ભાજપના વિકાસની પોલ ખોલે છે. બેરોજગારી ગંભીર મુદ્દો છે અને ભાજપ સરકાર તેનાથી અજાણ છે. વિપક્ષ અને કૉંગ્રેસ યુવાઓના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતું રહેશે.અંકલેશ્વરની કંપનીના ઓપન ઇન્ટરવ્યૂ મામલે રાજકારણ ગરમાતા આખરે જિલ્લા રોજગાર અધિકારીએ પણ પત્ર બહાર પ્રતિક્રિયા પાડી આપી. નાની જગ્યા પર ઇન્ટરવ્યૂ રાખ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. પત્રમાં જણાવવામાં આવ્યુ કે રોજગાર કચેરીમાં ભરતી પ્રક્રિયાની જાણ કરાઇ નથી.
ભરતી પ્રક્રિયામાં પોલીસ બંદોબસ્ત પણ લેવાયો ન હતો. ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ, પરંતુ આ ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો આવી પહોંચતા ચોતરફ અંધાધૂંધી સર્જાઇ હતી. 5 પોસ્ટ માટે ઉમટ્યા 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા. 3034 પુરૂષ તો 1016 મહિલા અરજદારો ઈન્ટરવ્યૂ માટે આવ્યા હતા. ઇન્ટરવ્યૂ માટે હોટલ ખાતે જોતજોતામાં યુવાનોની ભારે ભીડ જામી હતી. યુવાનો હોટલની અંદર જવા માટે રીતસર ધક્કામુક્કી કરવા લાગ્યા. સ્થિતિ એટલી વણસી ગઇ કે યુવાનોની ભીડને કારણે હોટલની રેલિંગ પણ તૂટી ગઇ. રેલિંગ તૂટવાને કારણે અનેક યુવાનો નીચે પણ પડ્યા, પરંતુ બેરોજગારીની પીડા સામે આ શારીરિક પીડા અને હાલાકી કંઇ ન હોવાથી તેઓ ફરી ઉભા થઇને લાઇનમાં લાગી ગયા.