રીપોર્ટ@ગુજરાત: રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી

 
રાષ્ટ્રપતિ
મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.મંદિર ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરના પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરી હતી.ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગઈકાલે ગુરૂવારે રાજકોટ આવી પહોંચતા તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કર્યા બાદ રાષ્ટ્રપતિએ રાજકોટ સરકીટ હાઉસમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ આજે સવારે રાજકોટથી સોમનાથ હેલીકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા.

સોમનાથ મહાદેવના દર્શન સાથે પૂજા-અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોમનાથના ત્રિવેણી સંગમ નજીક હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સોમનાથ મહાદેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સોમનાથ મહાદેવ મંદિરના દર્શન બાદ તેઓ સાસણ ગીર ખાતે સિંહ દર્શન માટે રવાના થયા હતા.સાસણ સદનમાં પણ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. સાસણમાં સાંજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યા બાદ સાસણ સદનમાં તેઓ રાત્રી વિશ્રામ કરશે.

રાષ્ટ્રપતિ આવતી કાલે શનિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે જશે. દ્વારકામાં કલેક્ટર, પ્રાંત, મામલતદાર, પોલીસ, નગરપાલિકા, ફાયર સહિતના વિભાગો સહિત સમગ્ર વહીવટી તંત્રએ રાષ્ટ્રપતિના રૂટ અને જગતમંદિર સહિતના મહત્ત્વના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જગતમંદિરમાં પૂજારી દ્વારા રાષ્ટ્રપતિના આગમન સમયે દ્વારકાધિશને વિશેષ શણગાર કરાશે. સમગ્ર રૂટમાં સઘન સફાઈ અભિયાન ચલાવાયું છે અને રોડ રસ્તાના નવીનીકરણ તેમજ ફાયર સેફટી સહિતની સુવિધાઓ સઘન બનાવી દેવામાં આવી છે.