રીપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે નિર્મિત 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત

 
એન્જીન
દાહોદમાં 'મેઇક ઇન ઇન્ડિયા' અભિગમ સાથે 20 હજાર કરોડના ખર્ચે તૈયાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે. દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે.

દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ 4 એન્જિન હમણાં તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે. આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજોની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.