રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, હાઇકોર્ટનો મોટો નિર્ણય

 
નિર્ણય

 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી છે અને તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓ 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65% પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિર્ણયથી રાજ્યની ન્યાયિક પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હેતલ સુરેશચંદ્ર દવે હવે ભાવનગરમાં જ 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યભાર સંભાળશે. સાણંદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હેમલતા પંડિતની અમરેલી ખાતે ફેમિલી કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. અર્ચિતકુમાર વોરા અને પવનકુમાર નવિન જેવા અધિકારીઓને અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

કુલ 50 જેટલા અધિકારીઓને સેશન્સ ડિવિઝનમાં "એડિશનલ સેશન્સ જજ" તરીકે નિયુક્ત કરાયા છે. કેટલાક અધિકારીઓને પ્રમોશન આપીને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને ફેમિલી કોર્ટમાં પણ નિમણૂક આપવામાં આવી છે. આ સંસ્થાકીય બદલાવ અંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે આ પગલું ન્યાય સેવાની કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમામ નિયુક્તિઓ યોગ્ય વરિષ્ઠતા અને અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન બાદ જ કરવામાં આવી છે.