રીપોર્ટ@ગુજરાત: જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં વિરોધ, 70 આગેવાનોએ ભાજપમાંથી રાજીનામું ધર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં સરકારે વધુ નવા 17 તાલુકા બનાવવા નિર્ણય લીધો છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વિરોધ વંટોળ શરૂ થયો છે. ઈડર તાલુકાના જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરે હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યાં હતાં. નવરચિત તાલુકા જાહેર કરીને સરકારે જ જાણે શાંત જળમાં પથરો ફેંક્યો છે.
ઘણાં વખતથી જાદરને તાલુકા બનાવવા સ્થાનિકો માંગ કરી છે. બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતાં હોય તો ઈડરને કેમ નહીં.70થી વઘુ આગેવાનોએ કેસરિયો ખેસ ઉતારી આ મુદ્દે સરકાર સામે લડત લડવા નક્કી કર્યુ છે. એવી ચિમકી આપવામાં આવી છે કે, જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા દેવાશે નહી.આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, એપીએમસી, સહકારી માર્કેટયાર્ડ, સહકારી સંઘની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિરોધની આગ ભાજપને દઝાડશે એવુ લાગી રહ્યુ છે. અત્યારથી વિરોધનો બુંગિયો ફૂંકાયો છે ત્યારે સરકારે સાપે છછૂંદર ગળ્યો હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે તાલુકા વિભાજનનો મુદ્દો ભાજપને લાભદાયી નહી બલ્કે રાજકીય દ્રષ્ટિએ નુકશાન પહોંચાડી શકે છે. નવરચિત તાલુકાઓમાં સૌરાષ્ટ્રની ધરાર બાદબાકી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ સરકાર વિરૂદ્ધ આંદોલન થાય તેમ છે. વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરી રાજ્ય સરકારે વાવ-થરાદ જિલ્લો બનાવવા સરકારે નિર્ણય લીધો છે. નવ રચિત ઓગડ અને હડાદ તાલુકો બનાસકાંઠામાં રહેશે પણ દિયોદર, લાખણી,ધરણીધર અને રાહ તાલુકો નવ રચિત વાવ થરાદ જિલ્લામાં રહેશે. આ અગાઉ જીલ્લા વિભાજનના મુદ્દો બનાસકાંઠા જીલ્લામાં ભાજપનો ભરપૂર વિરોધ થયો હતો.