રીપોર્ટ@ગુજરાત: પાલનપુર-આબુરોડ હાઇવે પર ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો

 
વિરોધ
પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર આવેલા હેબતપુર પાટીયા નજીક આવેલા ખેમાણા ટોલ નાકા પર આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. આશરે 5,000થી વધુ ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ટોલ ટેક્સના વિરોધમાં મહારેલી યોજી હતી. આ રેલીમાં 'જય જવાન, જય કિશાન' અને 'ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગેં ચોરો સે' જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

ખેડૂતો અને સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા ટોલ બૂથને વર્તમાન સ્થાનથી 10 કિલોમીટર આગળ ખસેડવામાં આવે. ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા સર્વિસ રોડ પૂરો પાડવામાં આવે.આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો હાઇવે પર બેસી ગયા હતા. જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ખેડૂતોએ સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરવા માટે ટોલ પ્લાઝા પર ભેગા થવાનું આયોજન કર્યું છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે.