રિપોર્ટ@ગુજરાત: જનતાના હાલ બેહાલ થયા, બે અઠવાડિયામાં ચોથીવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારથી દેશભરમાં ઇંધણના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. આજના વધારા બાદ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલ પ્રતિ લિટર ₹2.71 મોંઘુ થયું છે.છેલ્લા માત્ર બે અઠવાડિયામાં જ ઇંધણના ભાવમાં થયેલો આ ચોથો વધારો છે.ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ આ ભાવ વધારાની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ અને સામાન્ય મુસાફરી ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં સૌથી મોંઘું ઇંધણ રાજકોટમાં જોવા મળી રહ્યું છે, જ્યાં પેટ્રોલનો ભાવ ₹114.76 અને ડીઝલનો ભાવ ₹100.01 પર પહોંચી ગયો છે. રાજ્યની રાજધાનીમાં પેટ્રોલ ₹102.01 અને ડીઝલ ₹98.04 ના ભાવે વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹101.83 અને ડીઝલનો ભાવ ₹97.83 નોંધાયો છે. સુરતમાં પેટ્રોલ ₹101.71 અને ડીઝલ ₹97.73 પ્રતિ લિટર છે. વડોદરામાં પેટ્રોલ ₹101.46 અને ડીઝલનો ભાવ ₹97.95 સ્તરે પહોંચ્યો છે.
ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારા પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ જવાબદાર છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના તેલ માર્ગો પર અસર પડી છે. વિશ્વના તેલ પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી આંતરરાષ્ટ્રીય ભાવ વધારાની સીધી અસર સ્થાનિક રિટેલ ભાવ પર પડી રહી છે.તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) અગાઉ દૈનિક ધોરણે મોટું નુકસાન વેઠી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીઓ પ્રતિદિન કરોડોની ખોટ કરી રહી હોવાથી હવે તે બોજ ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બન્યો છે.

