રીપોર્ટ@ગુજરાત: કોળી સમાજના યુવાન પર હુમલાને લઈ સરકાર સામે ઉઠ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં બનેલા ગંભીર વિવાદમાં હવે કોંગ્રેસ પણ સક્રિય બની છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર નિવેદન આપીને રાજ્યની કાયદો-વ્યવસ્થા પર કડક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય નાગરિકો પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. કોળી સમાજના યુવાન પર થયેલા હુમલાને લઈ તેમણે પોલીસ કાર્યવાહી માત્ર દેખાડુ હોવાનું જણાવ્યું છે. આરોપીઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ તેમણે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રાખી છે.
બગદાણાના યુવાન પર થયેલા હુમલા પછી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એક જ મંચ પર આવતા નજરે પડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો પીડિત પરિવારને મળવા આગળ આવી રહ્યા છે. આ ઘટનાએ સમાજમાં રોષ ફેલાવ્યો છે અને લોકો ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે.આ મામલામાં સાંસદ નિમુબેન બાંભણિયા પીડિત યુવાનની મુલાકાત લેવાની તૈયારીમાં છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાન પૂંજાભાઈ વંશ અને કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચવાના છે. અગાઉ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
આ સમગ્ર ઘટનામાં રાજકીય ભેદભાવને બાજુએ રાખી સમાજના મુદ્દે પ્રતિનિધિઓ એક થયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.બગદાણા વિવાદ વચ્ચે માયાભાઈ આહીર સંકળાયેલા મુદ્દામાં નવા ખુલાસાઓ થયા છે. જયરાજ અને નવનીત વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધી આઠ લોકો સામે ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરાઈ છે. મુંબઈમાં આપેલા નિવેદન બાદ વિવાદ ભભૂક્યો હતો અને ટ્રસ્ટ સંબંધિત મુદ્દાઓને લઈ પણ ગેરસમજ ઊભી થઈ હતી.વાયરલ ઓડિયો ક્લીપમાં સેવક નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચેની વાતચીત હોવાનું કહેવાય છે.

