રિપોર્ટ@ગુજરાત: રથયાત્રા પહેલા રાહુલ ગાંધી અમદાવાદ આવે તેવી શક્યતા

 
રાહુલ ગાંધી
 પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી બબાલ બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી નામજોગ ફરિયાદ પણ પોલીસે ન લેતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરાઈ છે. લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી 6 જૂલાઈએ શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલી મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત અનેક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા પણ પોલીસને વીડિયો ફુટેજ રજૂ કરી ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોંગ્રેસની ફરિયાદ ન લેતા આ અંગે પ્રદેશ નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે.મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આથી કાર્યકર્તાઓનુ મોરલ બુસ્ટ અપ કરવા પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તે પ્રકારની વિગતો પણ સામે આવી છે.

7મી જૂલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી મહારથયાત્રા નીકળવાની હોવાથી મોટાભાગના પોલીસકર્મીઓ તેમા બંદોબસ્તમાં હશે. આથી તંત્ર દ્વારા રાહુલ ગાંધીને 6 જૂલાઈએ ન આવતા રથયાત્રા પછીના દિવસમાં આવવા જણાવાયુ છે. જોકે પ્રદેશનેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે અને રાહુલની ટીમ દ્વારા પણ આ અંગેનુ કન્ફર્મેશન આપી દેવાયુ છે કે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન એ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓને મળશે જેઓ પથ્થરમારાની ઘટના બની એ સમયના પ્રત્યક્ષદર્શીઓ હતા.

મંગળવારની એ સાંજ જ્યારે લોકસભામાં એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા અને એ જ સમયે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહારથી મારામારી અને પથ્થરમારાના હિંસક દૃશ્યો સામે આવ્યા. આ ઘટના પાછળ કારણ હતુ સોમવારે રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિંદુ સમાજ અંગે કરાયેલી વિવાદી ટિપ્પણી. લોકસભામાં રાહુલ ગાંધીની હિંદુઓ વિશે કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં ભાજપના કાર્યકરો અને હિંદુ સંગઠનો દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે.