રિપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધીએ ફરી તાક્યું નિશાન '400 છોડો 150 સીટ પણ નહીં મળે ભાજપ-NDAને'

 
રાહુલ ગાંધી
આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને દલિતોને અધિકાર મળ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોના નેતાો દ્વારા ધમધોકાટ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશના રતલામ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભાજપના 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. રાહુલે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ ચૂંટણી જીતશે, તો તેવો બંધારણ બદલી નાખશે, તેથી જ તેઓએ 400 બેઠકો જીતવાનો નારો લગાવી રહ્યા છે.’તેમણે દાવો કર્યો કે, BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.

તેઓએ કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. એક તરફ નરેન્દ્ર મોદી અને RSS છે, જેઓ બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન છે, જેઓ બંધારણ બચાવવામાં લાગ્યા છે. ભાજપના લોકો બંધારણને ખતમ કરી ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગ પાસેથી આરક્ષણ છિનવી લેવા માંગે છે, પરંતુ અમે ક્યારે આવું નહીં થવા દઈએ. અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું.’કોંગ્રેસ નેતાએ હાથમાં બંધારણનું પુસ્તક લઈને લોકોને કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી આને હટાવવા માંગે છે અને તેઓ માત્ર શાસન કરવા ઈચ્છે છે. તેઓ તમારા તમામ અધિકારો છિનવી લેવા માંગે છે. આ જ તેમનો ઉદ્દેશ્ય છે અને અમે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બંધારણના કારણે જ આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને દલિતોને અધિકાર મળ્યા છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવશે તો આ પુસ્તકને બાજુએ રાખી દેશે. આ માટે જ તેમણે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે તેમને 150 બેઠકો પણ મળવાની નથી. તેમના નેતા આરક્ષણ છિનવી લેવાની વાતો કરે છે, પરંતુ અમે આરક્ષણને 50 ટકાથી ઉપર લઈ જઈશું. અમે કોર્ટ દ્વારા લાગુ કરાયેલ 50 ટકાની મર્યાદા હટાવી દઈશું. અમે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને ગરીબોને જેટલું આરક્ષણ જોઈએ તેટલું આપીશું.’