રીપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું અમદાવાદમાં આગમન, જાણો સમગ્ર કાર્યક્રમ
                                        
                                    પાર્ટી પ્રિયંકા ગાંધી વાડ્રાને મોટી જવાબદારી સોંપી શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થવા જઈ રહ્યું છે. CWCની આજથી બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે CWCની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. દેશના છ રાજ્યોમાં છોડા મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે.
એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, પ્રિયંકા ગાંધીને એક નિયુક્ત ભૂમિકા આપી શકાય છે. જેના કારણે તેમનો રાજકીય અનુભવ અને જનતા સાથેનું જોડાણ પાર્ટી માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચેલા શશી થરૂરે કહ્યું છે કે, અમે દેશની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટેની રણનીતિ પર ચર્ચા કરીશું.ગુજરાતના અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસ કાર્યક્રમના પહેલા દિવસે CWCની બેઠક યોજાશે. CWCની બેઠક સવારે 11 વાગ્યે સરદાર સ્મારક શાહીબાગ ખાતે શરૂ થશે.
કોંગ્રેસના નેતાઓ માટે સાંજે 5 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. કોંગ્રેસના નેતાઓ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપશે. ત્યારબાદ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે 7.45 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. મલ્લિકા સારાભાઈ અને અન્ય લોક કલાકારો આમાં પરફોર્મ કરશે. રાષ્ટ્રીય સંમેલન 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થશે. કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અંગે કહ્યું કે, ''કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોના સહભાગી બનશે. જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે.

