રીપોર્ટ@ગુજરાત: બનાસકાંઠામાં વરસાદનો કહેર, 13 ગામો સંપર્ક વિહોણા, 500થી વધુ લોકોનું સ્થળાંતર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વિભિન્ન વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે મુશ્કેલીઓમાં વધારો થયો હતો. સૂઈગામ સહિતના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના કારણે 13 ગામો સંપર્ક વિહોણા થયા છે. 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને 279 ગામોમાં વીજળી ગુલ થઈ છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમો તૈનાત કરીને રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. અને 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીના કારણે બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટરે જિલ્લાભરમાં શૈક્ષણિક કાર્યને પણ સ્થગિત કરી દેવાની જાહેરાત કરી હતી. તો આગામી હવામાન વિભાગની આગાહીને લઈને પહેલાથી સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજ અને આંગણવાડી સહિતનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.બનાસકાંઠાના સુઈગામ, ભાભર, દિયોદર, વડગામ, અને ધાનેરા જેવા તાલુકાઓમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભાભરથી સુઈગામને જોડતા મુખ્ય માર્ગ પર ઢીંચણસમું પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો, જેના કારણે મુસાફરો કલાકો સુધી અટવાયા હતા.સુઈગામમાં 16 ઈંચ, ભાભરમાં 13 ઈંચ, વાવમાં 12.5 ઈંચ, અને થરાદમાં 11.5 ઈંચ વરસાદ નોંધાયો. જેના કારણે ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા હતા. મોંઘા ભાવે ખરીદેલા ખાતર અને બિયારણ પાણીમાં વહી જતાં ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ધાનેરા અને દાંતામાં પણ ખેતીને ભારે નુકસાન થયું છે. જ્યાં ખેતરોમાં ઘૂંટણસમું પાણી ભરાયું છે.વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લેતા NDRF અને SDRFની ટીમોને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈનાત કરી છે. લાખણી તાલુકાના જસરા ગામમાંથી 150થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 46,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવાની તૈયારીઓ શરૂ થઈ છે, અને દરેક વ્યક્તિને દિવસના 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.