રીપોર્ટ@ગુજરાત: રેશનકાર્ડ હવે ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારે રેશનકાર્ડના ઉપયોગને મર્યાદિત કરતો એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ઑક્ટોબર 13, 2025 ના રોજ જારી કરાયેલા આ આદેશ મુજબ, હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. તેનો ઉપયોગ માત્ર વાજબી ભાવની દુકાનોમાંથી રાશન અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા પૂરતો જ મર્યાદિત રહેશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના 'ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (કંટ્રોલ) ઓર્ડર, 2015' ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના હુકમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
વિભાગના ઉપ સચિવ અમિત સંગાડાની સહીથી જારી થયેલા આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે.ગાંધીનગર સ્થિત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે રેશનકાર્ડના સ્વીકાર્યતા અંગે એક સ્પષ્ટ અને સીધો પરિપત્ર બહાર પાડીને વર્ષોથી ચાલી આવતી પ્રથામાં ફેરફાર કર્યો છે.
આ નિર્ણય પાછળના મુખ્ય બે કારણો રહેલા છે:
કેન્દ્ર સરકારનો નિર્દેશ: આ નિર્ણય મુખ્યત્વે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા વર્ષ 2015 માં બહાર પાડવામાં આવેલા 'ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (કંટ્રોલ) ઓર્ડર, 2015' ની કલમ 4(6) ને અનુસરીને લેવામાં આવ્યો છે. આ કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે "Ration Card Shall not be used as a document of identity or proof of residence".
ગુજરાત માહિતી આયોગનો હુકમ: ઑગસ્ટ 05, 2025 ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલા એક હુકમ બાદ રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટ સૂચનાઓ જારી કરવા પર વિચારણા કરી હતી, જે હવે પરિપત્ર સ્વરૂપે અમલમાં આવી છે.સરકારના આ નવા આદેશ બાદ, રેશનકાર્ડની ભૂમિકા અત્યંત સંકુચિત અને વિશિષ્ટ કરવામાં આવી છે.
હવેથી રેશનકાર્ડનો ઉપયોગ વાજબી ભાવની દુકાનેથી સસ્તા દરે મળતું અનાજ અને અન્ય વસ્તુઓ મેળવવા માટે. અને સરકારી યોજનાઓ હેઠળ મળતા ગેસ કે અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે. આ પરિપત્ર સ્પષ્ટ કરે છે કે નાગરિકોએ હવે સરકારી કે બિન-સરકારી કામકાજમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. ઉપ સચિવ અમિત સંગાડાની સહીથી જારી થયેલો આ આદેશ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓને તાત્કાલિક અસરથી અમલ કરવા માટે મોકલી દેવાયો છે.