રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં Re-NEET માટે કડક સુરક્ષા વચ્ચે ફરી પરીક્ષા શરૂ, જાણો વધું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
NEET-UG પરીક્ષાનું ફરી આયોજન આજે ગુજરાતભરમાં કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 211 પરીક્ષા કેન્દ્રો પર હજારો વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અંદાજે 79,411 ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ વિશ્વાસ અને પારદર્શિતાની કસોટી સમાન બની છે.
અગાઉ થયેલી ગેરરીતિ બાદ આ પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે અનેક સ્તરે દેખરેખ ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો સુધી પ્રશ્નપત્ર પહોંચાડવા અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત CISFને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રોની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત સાથે સતત મોનીટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરિવહન વ્યવસ્થામાં પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
એસટી તેમજ રેલવે વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ સરળતાથી કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બપોરે 2 વાગ્યાથી શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઉમેદવારોને સમયસર પહોંચવા અને પરીક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

