રીપોર્ટ@ગુજરાત: ભુજમાં રેડ એલર્ટ જાહેર કરાયું, સાયરન વગાડી લોકોને એલર્ટ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આખી દુનિયાની નજર ભારત અને પાકિસ્તાન પર રહેલી છે ત્યારે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતના કચ્છ, ભુજ, ભચાઉ,જામનગર સહિત એવા અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કચ્છમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં ભુજ, અબડાસા આસપાસ ડ્રોન દેખાયા હોવાનું સામે આવ્યું છે.
ભુજ પાસે પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. સાથે જ ભુજના નાગોર નજીક પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના કોઈપણ પ્રયાસોને સફળ થવા દેતી નથી અને તેના ડ્રોનને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. ભુજના નાગોર નજીક ડ્રોન ક્રેશ થયા બાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભુજમાં સાયરન વગાડી લોકોને એલર્ટ કરાયા છે. ભુજમાં 3 વાર સાવચેતી આપતા સાયરન વાગ્યા છે અને નાગરિકોને પોતાના ઘરે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંગે એરફોર્સ દ્વારા કલેક્ટરને સૂચના અપાઈ છે.