રીપોર્ટ@ગુજરાત: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ, 8000 મત સાથે ભાજપ ઉમેદવાર આગળ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે ગુજરાતના આણંદ જિલ્લાની પ્રતિષ્ઠિત ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આણંદની બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે આજે સવારે 8:00 કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સૌથી પહેલા 241 પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVM માં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરાશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં કુલ 22 રાઉન્ડના અંતે અંતિમ પરિણામ સ્પષ્ટ થશે. ઉમરેઠમાં પેટાચૂંટણીના પરબમો આજે જાહેર થઈ રહ્યા છે. જ્યાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર 8343 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર 4000 મતથી સાથે પાછળ ચાલી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 14 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 14 મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઇઝર સહિત કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
ઉમરેઠ બેઠક પર આ વખતે કુલ 59.03 ટકા મતદાન નોંધાયું હતું. મેદાનમાં કુલ 6 ઉમેદવારો છે. પરંતુ મુખ્ય જંગ ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમાર અને કોંગ્રેસ ના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે હોવાનું મનાય છે. આ ઉપરાંત ભારતીય નેશનલ જનતા દળના મૌલિક શાહ અને ત્રણ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. ભાજપ માટે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તનની આશા રાખી રહી છે.

