રીપોર્ટ@ગુજરાત: 10 હજાર કરોડના કૃષિ પેકેજ અંતર્ગત ખેડૂતોને 5300 કરોડની સહાય ચૂકવાઈ, જાણો વિગતે

 
મુખ્યમંત્રી
ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને મળી આભાર વ્યક્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસામાં થયેલા વરસાદ અને ત્યાર બાદ વરસેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોનો વાઢેલો અને ઉભો પાક વરસાદી પાણીમાં નાશ પામ્યો હતો. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. રાજ્ય સરકારે અતિવૃષ્ટિને કારણે થયેલા ખેતીમાં નુકસાનનો સરવે કરાવ્યો હતો. ત્યાર બાદ ઐતિહાસિક 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઊભા રહીને 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે.

આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5300 કરોડથી વધુની સહાય રકમ ઓનલાઇન ડી.બી.ટી.થી ચૂકવી દેવામાં આવી છે. આ કિસાન હિતકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની વિવિધ એ.પી.એમ.સી., માર્કેટયાર્ડ, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો. મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે. આવા ખેડૂત હિતકારી પગલાઓ અને ઝડપી નિર્ણયોથી કોઈપણ આપદાની વેળાએ ધરતીપુત્રોની સહાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે