રીપોર્ટ@ગુજરાત: સુરત ભાજપ સંગઠનમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીએ રાજીનામું આપતા રાજકીય ગરમાવો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રીએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપતી વખતે તેમણે ભાજપના આંતરિક વિખવાદ અને તાલુકા સંગઠન સામે ગંભીર આક્ષેપો કરતાં પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2009થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહ્યા હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા તેમને કોઈ સહકાર આપવામાં આવતો ન હતો.
સંગઠન દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. આટલી પ્રતિકૂળતાઓ હોવા છતાં, તેમણે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. પરંતુ પક્ષના આંતરિક વલણથી કંટાળીને અંતે તેમણે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. તેમણે આ રાજીનામા પાછળ આર્થિક બાબતો અને વિકાસના કામોમાં રોડા નાખવામાં આવતા હોવાનો પણ સંકેત આપ્યો છે.
ગણપત રાઠોડે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમના વિસ્તારમાં આશરે રૂ. 11.45 લાખના વિકાસકામો પૂર્ણ થયા હોવા છતાં, સત્તાધીશો દ્વારા બિલ મંજૂર કરીને નાણાં અપાવવામાં આવ્યા નથી, જેના કારણે નવા કામોમાં અવરોધ ઊભો થયો છે. આ પરિસ્થિતિ માટે તેમણે સીધો જ તાલુકા પંચાયત અને તાલુકા સંગઠનના હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે પોતાનો આ રાજીનામા પત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતો કર્યો છે. એક તરફ ભાજપ પોતાનું સંગઠન મજબૂત હોવાના દાવા કરે છે.

