રીપોર્ટ@ગુજરાત: ભારે વરસાદને પગલે સનાથલ-બગોદરા હાઈવે બંધ કરાયો, અનેક વાહનો પાણીમાં ડુબ્યા

 
વરસાદ
હાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના અનેક ગામડાઓમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

હાઈવે અને નીચાણવાળા માર્ગો પર અતિશય પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો ચલાવવા અત્યંત જોખમી બન્યા છે. હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.હાઇવે પર પાણીનો ભરાવો એટલે વધી ગયો છે કે અનેક વાહનો ડૂબી ગયા છે જેના કારણે સ્થિતી વિકટ બની છે. જિલ્લા પોલીસ પણ તુરત સ્થળ પર પહોંચી હતી અને લોકોને સનાથલ હાઇવેનો ઉપયોગ ના કરવા અપીલ કરી છે. પોલીસે ફસાયેલા મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા. હાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.