રિપોર્ટ@ગુજરાત: સાપુતારા ખાતે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪'નો થશે પ્રારંભ, ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

 
સાપુતારા
આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪'નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ચોમાસાની ઋતુમાં તા. ૨૯ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ-૨૦૨૪ એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે તા. ૨૯ જુલાઇના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ મુખ્ય અતિથિ ગણ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે પધારશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.