રીપોર્ટ@ગુજરાત: સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાયો, 21 ડેમ ઓવરફ્લો, 35 હાઈએલર્ટ પર

 
ડેમ
79 ડેમોમાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાઈ ચૂક્યો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યના 35 ડેમોને હાઈએલર્ટ, 16ને એલર્ટ અને 8 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર મુકવામાં આવ્યા છે.

સરદાર સરોવરમાં 3,17,916 એમસીએફટી પાણીના જથ્થા સાથે સ્થિતિ મજબૂત છે, પરંતુ રાજ્યના 206 પૈકી 79 ડેમો એવા છે જ્યાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી છે. 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યા 21 છે. આ ઉપરાંત 38 ડેમોમાં 70 થી 100 ટકા, 25 ડેમોમાં 50 થી 70 ટકા અને 43 ડેમોમાં 25 થી 50 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. મુખ્ય ડેમોની વાત કરીએ તો શેત્રુંજી 98.42 ટકા, સુખી 87.02 ટકા, કરજણ 83.33 ટકા અને ઉકાઈ 80.64 ટકા ભરાયા છે, જ્યારે ધરોઈમાં 51 ટકા અને દાંતીવાડામાં 24.94 ટકા પાણી જ છે. રાજકોટનો લાલપરી, ભાવનગરનો શેત્રુંજી અને મહીસાગરનો વણાકબોરી ડેમ હાઈએલર્ટ પર છે.જળાશયોમાં પાણીની આ ઉપલબ્ધિ પીવાના અને સિંચાઈના પાણી માટે મોટી રાહત આપશે. જોકે, ૨૫ ટકાથી ઓછું પાણી ધરાવતા 79 ડેમોના વિસ્તારોમાં આગામી સમયમાં વરસાદની જરૂરિયાત રહેશે જેથી સંતુલિત જળ વ્યવસ્થાપન જાળવી શકાય.