રિપોર્ટ@ગુજરાત: સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર, 42 ગામને એલર્ટ કરાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બરની સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી.
ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા જળસ્તર જાળવી રાખવા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી 119 ડેમ તો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે. સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 124 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 130 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 128 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 120 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 107 ટકા વરસાદ નોંધાયો છે.